મુંબઇ : ભારતીય ટીમે વાનખેડે સ્ટેડિયમમાં ટી20 સીરીઝની અંતિમ મેચમાં શાનદાર પ્રદર્શન કરતા શ્રીલંકાને 5 વિકેટે હરાવી 3-0થી શ્રેણી જીતી લીધી. લૉ-સ્કોરિંગ મેચમાં ભારતે છેલ્લી ઓવરમાં રોમાંચક વિજય મેળવ્યો હતો. ભારતને જીતવા માટે 7 બોલમાં 9 રનની જરૂર હતી ત્યારે દિનેશ કાર્તિકે એક શાનદાર સિક્સ ફટાકારી ભારતને મેચમાં જીતની નજીક લાવી દીધું હતું. ભારત તરફથી મનીષ પાંડેએ 32, શ્રેયસ અય્યરે 30 અને કેપ્ટન રોહિત શર્માએ 27 રન બનાવ્યા હતા.
અંતિમ ક્ષણોમાં કાર્તિક અને ધોનીની ઉપયોગી ઈનિંગ્સ
136 રનના સામાન્ય સ્કોરનો પીછો કરી રહેલી ભારતીય ટીમે એક સમયે 108 રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી હતી અને આખરી ચાર ઓવરમાં ભારતને 28 રન કરવાના હતા. આ સમયે જો ભારતે વધુ એક વિકેટ ગુમાવી દીધી હોત તો તે મુશ્કેલીમાં મુકાઈ જાત પણ ધોની-કાર્તિકે મક્કમતાથી બેટિંગ કરી ભારતને છેલ્લી ઓવરમાં જીત અપાવી દીધી હતી. કાર્તિકે 12 બોલમાં 18 રન જ્યારે ધોનીએ 10 બોલમાં 16 રનની નાની પણ મહત્વની ઈનિંગ રમી હતી.