ગાબામા માર્શ બંધુઓ ઈતિહાસ રચશે
શોન માર્શ અને તેનો નાનો ભાઈ મિચેલ માર્શ ભારત વિરુદ્ધ આજથી ગાબામાં શરૂ થઈ રહેલી બીજી ક્રિકેટ
બ્રિસબેન,17ડિસેમ્બર (હિ.સ.)
શોન માર્શ અને તેનો નાનો ભાઈ મિચેલ માર્શ ભારત વિરુદ્ધ આજથી ગાબામાં શરૂ થઈ રહેલી બીજી ક્રિકેટ ટેસ્ટ મેચમાં એક ઈતિહાસ રચશે. તેઓ જ્યારે રમવા માટે મેદાનમાં ઉતરશે ત્યારે તે સ્ટીવ વો અને માર્ક વો બાદ એક ટેસ્ટ ટીમ માટે રમનારા પ્રથમ બે ભાઈઓ હશે. વો બંધુઓ છેલ્લે ૨૦૦૨માં એક સાથે ટેસ્ટ મેચ રમ્યા હતા. ભૂતપૂર્વ ક્રિકેટર જ્યોફ માર્શના પુત્રો શોન અને મિચેલ ઓસ્ટ્રેલિયા તરફથી એક જ ટેસ્ટ મેચમાં રમનારા ભાઈઓની પાંચમી જોડી હશે.
વો બંધુઓ પહેલા ઈયાન ચેપલ અને ગ્રેગ ચેપલની જોડી પણ ઘણી મેચોમાં એક સાથે રમી હતી. આ ઉપરાંત નેડ ગ્રેગરી અને ડેવ ગ્રેગરીએ ૧૮૭૭માં તથા ચાર્લ્સ અને એલેક બેનરમેન ૧૮૭૯માં સાથે ટેસ્ટ મેચ રમ્યા હતા. ઓસ્ટ્રેલિયા માટે ૫૦ ટેસ્ટ મેચ રમનારા જ્યોફ માર્શે જણાવ્યું હતું કે તેમણે આકરી મહેનત કરી છે અને તેમનું સપનુ પૂરુ થવા જઈ રહ્યું છે. નસીબે શોનનો સાથ આપ્યો નહીં અને તે ખોટા સમયે ઈજાગ્રસ્ત થયો હતો. પરંતુ આશા છે કે તે પોતાને મળેલી તકનો ફાયદો ઉઠાવશે. મિચેલ પણ ઈજાથી પરેશાન રહ્યો છે પરંતુ તે એવી ઉંમરમાં છે જ્યાં બોલિંગ કતા સમયે ઘણા પ્રકારની ઈજાનો સામનો કરવો પડે છે. મિચેલે યુએઈમાં ટેસ્ટ ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું.
યુવાન ઝડપી બોલર જોશ હેઝલવૂડ અને મિચેલ સ્ટાર્કને ભારત વિરુદ્ધ આજથી ગાબામાં શરૂ થઈ રહેલી બીજી ક્રિકેટ ટેસ્ટ મેચ માટે ઓસ્ટ્રેલિયાની અંતિમ ઈલેવનમાં સ્થાન આપવામાં આવ્યું છે. હેઝલવૂડને ઈજાગ્રસ્ત રેયાન હેરિસના સ્થાને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. જેનાથી તેને ટેસ્ટ ક્રિકેટમાં પદાર્પણ કરવાની તક મળશે. જ્યારે સ્ટાર્ક પીટર સિડલનું સ્થાન લેશે.
નવા સુકાની સ્ટીવન સ્મિથે ટીમની જાહેરાત કરતા કહ્યું હતું કે મેં હેઝલવૂડને ન્યૂ સાઉથ વેલ્સ માટે રમતો જોયો છે અને તેનાથી હું ઘણો પ્રભાવિત થયો છું. તેની રમતમાં સતત સુધારો થઈ રહ્યો છે. અહીંની પિચ તેની બોલિંગને અનુકૂળ છે. જ્યારે સ્ટાર્કની વાત કરીએ તો અમારે એક એવા બોલરની જરૂર હતી જેની પાસે વધારેની ઝડપ અને ઉછાળ હોય. સ્ટાર્કે શેફિલ્ડ શીલ્ડ મેચોમાં ન્યૂ સાઉથ વેલ્સ માટે પ્રભાવશાળી પ્રદર્શન કર્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર/17.12.201/હર્ષ શાહ/મોનિકા પટેલ
Trending